ભારતમાં પ્લાઝમા થેરાપીથી થશે કોરોનાના દર્દીઓનો ઇલાજ? જાણો વધારે વિગત

Categories
Other

દિવસો અગાઉ ચીનમાં ‘પ્લાઝમા થેરાપી’નો ઉપયોગ કરીને ૧૦ કોરોનાના દર્દીઓમાંથી ૭ વ્યક્તિ સ્વસ્થ થયા એ પછી આ ચિકિત્સા પદ્ધતિની ચર્ચા થવા માંડી છે. ઘણા દેશોમાં તેનો ઉપયોગ પણ થવા માંડ્યો છે. અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ આ થેરાપીનો ઉપયોગ કરવાનું શરૂ કરીને હકારાત્મક પરિણામ પણ મેળવ્યાં છે.

કેરળ સરકારના પ્રસ્તાવ બાદ ભારતની કેન્દ્ર સરકારે આ થેરાપીની મંજૂરી આપી છે. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું કે, કેન્દ્ર સરકારની મંજૂરી મળી જવાથી તેમણે પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ચર્ચામાં આવેલી આ પ્લાઝમા થેરાપી છે શું? કોરોનાથી બચવામાં આ ચિકિત્સા પદ્ધતિ ખરેખર કારગત નીડવી શકે તેમ છે? અહીં એકદમ સરળ ભાષામાં અને ટૂંકાણમાં બધી સમજૂતિ આપી છે. ‘પ્લાઝમા થેરાપી’ વિશે સમજતા પહેલા ‘પ્લાઝમા’ શું છે એ જાણવું જરૂરી છે:

‘પ્લાઝમા’ એટલે શું?:
આપણા લોહીના લગભગ ૪૫% જેટલા ભાગમાં રક્તકણો આવેલા છે. ૧% થી પણ ઓછા ભાગમાં શ્વેતકણ અને લસિકાકણો આવેલા છે. બાકીનો જે ૫૫% ભાગ વધે છે તે પ્લાઝમા(રૂધિરરસ)નો બનેલો છે. આ પ્લાઝમા અર્થાત્ રૂધિરરસમાં પણ ૯૦%થી વધારે તો માત્ર પાણી જ હોય છે! બાકીનો થોડું પ્રોટીન વગેરે રહેલું છે. મતલબ, લોહીનો મહત્તમ ભાગ પ્લાઝમા જ છે. એક ડોલમાં પાણી ભરીને એમાં બે-ત્રણ વાટકા ચણા નાખો. પાણી છે તે પ્લાઝમા અને ચણા છે તે રક્તકણ,શ્વેતકણ અને લસિકા! પ્લાઝમાનો રંગ પીળો હોય છે.

જ્યારે કોઈ આક્રમણકારી વાઇરસ આપણા શરીરની સીમા ઓળંગીને અંદર પ્રવેશ કરે ત્યારે લોહીમાં રહેલ એન્ટીબોડી એનો સફાયો કરવાને કમર કસે છે. જો રોગપ્રતિકારક શક્તિ સારી હોય અંદર એન્ટીબોડીની માત્રા વધારે હોવાની, જે બિમારી ફેલાવનાર વાઇરસનો નાશ કરી દે છે.

‘પ્લાઝમા થેરાપી’ એટલે શું?:
ચીનમાંથી આવેલો SARS-CoV-2 નામનો કોરોના વાઇરસ માણસનાં શરીર માટે નવો છે. એટલે આપણાં શરીરમાં તેની સામે લડવા માટે ‘એન્ટીબોડી’ હજુ બની નથી. આથી આ વાઇરસ માણસનાં શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડવાને શરીર પાસે કોઈ ચોક્કસ હથિયાર નથી હોતું. હાં, અમુક સમય પછી એન્ટીબોડી બની જરૂર જાય છે. અને પછી તે આ વાઇરસ સામે લડત ચલાવે છે.

જે વ્યક્તિ કોરોના સામે લડીને સ્વસ્થ થઈ ગઈ હોય એટલે કે તેમનાં લોહીમાં આ વાઇરસ સામે કારગર એવી એન્ટીબોડી વિકસીત થઈ ચૂકી હોય તેનું લોહી લઈ, તેમાંથી પ્લાઝમા અલગ પાડીને કોરોનાને લીધે પથારીવશ થયેલા અન્ય વ્યક્તિનાં શરીરમાં એ પ્લાઝમા ચડાવવો તે એટલે પ્લાઝમા થેરાપી!

આમ, કરવાથી તે વ્યક્તિનાં લોહીમાં પણ કોરોના સામે ઓલરેડી લડી ચૂકેલ પહેલી વ્યક્તિના એન્ટીબોડી પ્રવેશ કરે છે અને અંદર રહેલા વાઇરસ સામે લડવા માંડે છે.

હાલ પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કોરોનાના એવા દર્દીઓ માટે કરવામાં આવે છે, જેઓ અગાઉથી જ ડાયાબિટિસ, હ્રદયની નાજૂકતા કે કેન્સર જેવી ભયાનક બિમારીથી પીડિત છે. આવા લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેઓનાં શરીરમાં કોરોના સામે લડવા માટે એન્ટીબોડી બને તેની રાહ જોવી પાલવે નહી. કોરોનાને લીધે તેમનાં શરીરને થતું નુકસાન બીજા પેશન્ટની સરખામણીમાં અનેકગણું વધારે હોય છે.

આ થેરાપી જ કોરોનાનો ઇલાજ છે?:
ના, પ્લાઝમા થેરાપી કોરોનાનો કાયમી ઇલાજ નથી! જ્યાં સુધી કોરોનાની દવા ના શોધાય ત્યાં સુધી આ થેરાપી એક પ્રકારે રાહત આપી શકે છે. પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરવા સામે સમસ્યાઓ પણ ઘણી છે. એક તો હજુ આ થેરાપી કેટલી કારગર નીવડે એના વિશે એકદમ સચોટ ધારણા બાંધી શકાઈ નથી. વળી, કોરોના થયાની શરૂઆતમાં જેમ બને તેમ ઝડપથી આ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે તો સફળતા મળી શકે. જે પેશન્ટની સ્થિતી ગંભીર હોય તેમના માટે પણ આ થેરાપી કામની નથી. આ ચિકિત્સા પદ્ધતિથી દર્દીને વેન્ટિલેટર પર જતો બચાવી શકાય છે.

આ થેરાપીમાં કોરોનાથી બચી ગયેલા પણ હજુ સ્વસ્થ થઈ રહેલા વ્યક્તિનું લોહી લેવામાં આવે છે.(દર્દીની આ અવસ્થાને ‘કોન્વલેસન્ટ’ કહેવાય છે.) બાદમાં આ લોહીમાંથી પ્લાઝમા છૂટું પાડવામાં આવે છે, જે અલગ થયા બાદ પીળા રંગનું દેખાય છે. બાદમાં તેનો કોરોના સામે પથારીએ પડેલા દર્દીનાં શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે. અહીં જોવાનું એ પણ રહે છે કે જેનું લોહી લીધું છે તે વ્યક્તિ કોઈ અન્ય બિમારી તો નથી ને!

આમ, પ્લાઝમા થેરાપી કોરોના માટે કેટલી કારગત નીવડે એ વિશે હજુ સચોટ અવધારણા બાંધી શકાઈ નથી. ભારતમાં હજુ નિષ્ણાતો આના પર રિસર્ચ કરી રહ્યા છે.

આ કંઈ નવું નથી!:
પ્લાઝમા થેરાપીની ટેક્નિક આજકાલની નથી. વિવિધ રોગો માટે તેનો ૧૦૦ વર્ષ જેટલા સમયથી ઉપયોગ થતો આવ્યો છે. ડિપ્થેરિયા, સ્કારલેટ ફિવર અને ટેટનેસ જેવા રોગો માટે ઘોડાનાં લોહીમાંથી પ્લાઝમા કાઢીને મનુષ્યોનો ઇલાજ કરવામાં આવ્યો હતો! આ ઉપરાંત, સાર્સ, ઇબોલા, સ્પેનિશ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ જેવી બિમારીઓમાં આ ચિકિત્સા પદ્ધતિને અજમાવાયેલી છે. એનો મતલબ એવો પણ નથી કે, પ્લાઝમા થેરાપી બધી બિમારીઓ સામે કારગત નીવડે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *